લાખ્ખો મોબાઈલ ગ્રાહકોના મોબાઈલ ફોન આઈએમઈઆઈ કહેવાતો આગવો ઓળખ નંબર ન ધરાવતા હોવાથી તેમની બોલતી બંધ થઈ ગઈ હતી. આતંકવાદીઓ આવા ફોનનો દુરુપયોગ કરી પકડાતા ન હોવાથી સરકારે સલામતીના કારણોસર આ વિશિષ્ટ ઓળખ નંબર ન ધરાવતા હોય તેવા ફોનને મોબાઈલ સેવા બંધ કરવાનો આદેશ આપ્યો હતો. અનેક વિનંતિઓ છતાં સરકારે પ્રતિબંધની મુદ્દત લંબાવવાનો ઈનકાર કર્યો હતો. પ્રતિબંધથી ૨.૧ કરોડ ફોન ઠપ થઈ જવા ધારણા છે. તેથી મોબાઈલ ઉદ્યોગને ૧૦૦ કરોડનો ફટકો પડશે.
આઈએમઈઆઈ અથવા યુનિક આઈડેન્ટિટી નંબર કહેવાતા આવા નંબર ન ધરાવતા હોય તેવા બધા જ ફોનની સેવાઓ બંધ કરી દીધી હોવાનું એરટેલ અને વોડાફોન સહિતના મોબાઈલ ઓપરેટરોના પ્રવક્તાએ જણાવ્યું હતું. જોકે કોઈ પણ કંપનીએ ચોક્કસ કેટલા મોબાઈલની સેવાઓ સ્થગિત કરી છે તેનો આંકડો આપ્યો ન હતો. પરંતુ એક અંદાજ મુજબ આ આંકડો કરોડોમાં હશે.
- ૨.૧ કરોડ ફોન નંબર વિનાના હોવાનો અંદાજઃ મોબાઈલ ઉદ્યોગને ૧૦૦ કરોડનો ફટકો પડવા ધારણા
૧૫ આંકડાનો આઈએમઈઆઈ (ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી) નંબર ન ધરાવતા હોય તેવા ઓછામાં ઓછા ૨.૧ કરોડ ફોન ચલણમાં હોવાનો નિષ્ણાતોનો અંદાજ છે. અને તેની સેવાઓ બંધ થઈ જતાં મોબાઈલ ઉદ્યોગને ૧૦૦ કરોડનો ફટકો પડશે. આ નંબર હોય તે ફોનને ટ્રેક કરીને તેનું લોકેશન જાણી શકાય છે. આ નંબર વિનાના ફોનનું કોઈ જ પગેરુંં પકડી શકાતું નથી. સલામતીના કારણોસર ત્રાસવાદીઓ આવા ફોનનો દુરુપયોગ ન કરી શકે તે માટે સરકારે આવા ફોનના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ મનાઈનો અમલ ચાલુ કરવાની મુદ્દત લંબાવવા માટે જીએસએમ મોબાઈલ ઓપરેટરોની લોબી 'સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા'એ સરકારને વારંવાર ખૂબ વિનંતીઓ કરી હોવા છતાં સરકારે મુદ્દત લંબાવવાની ના પાડી દીધી હતી. તેથી નાછૂટકે બધી મોબાઈલ સેવા આપનાર કંપનીઓએ એવા ફોનની સેવાઓ ૧ ડિસેમ્બરથી બંધ કરવી પડી છે. મોબાઈલ ઓપરેટરો કહે છે કે આઈએમઈઆઈ નંબર વિનાન બધા જ ફોન ઠપ થઈ ગયા છે, પરંતુ કુલ કેટલા ફોનની સેવાઓ બંધ કરી છે તેનો આંકડો કોઈપણ કંપનીએ આપ્યો નહોતો.
નંબર ચકાસવા શું કરવું?
પોતાનો જીએસએમ મોબાઇલ હેન્ડસેટ જેન્યુઇન છે કે કેમ તે જાણવા માટે ફોનધારકે તેના મોબાઇલ ફોનમાં *#06# ટાઇપ કરવાનું હોય છે. આટલું ટાઇપ કર્યા પછી મોબાઇલના સ્ક્રીન પર ૧૫ આંકડાનો IMEI નંબર જોઇ શકાય છે. આ IMEI નંબર જેન્યુઇન છે કે નહીં તે ચકાસવા ફોનધારક તેના મોબાઇલના સ્ક્રીન પર IMEI ટાઇપ કરી સ્પેસ છોડી ૧૫ આંકડાનો નંબર ટાઇપ કરી ૫૭૮૮૬ નંબર પર એસએમએસ પણ મોકલી શકે છે.
એસએમએસ મોકલ્યા બાદ ફોનધારકને મૂળ જેના માટે IMEI નંબર ફાળવવામાં આવ્યો હોય તે હેન્ડસેટની બ્રાન્ડનું નામ અને મોડેલ નંબર જણાવતો અને નંબર માન્ય છે કે ગેરમાન્ય તેની જાણ કરતો રિપ્લાય (વળતો એસએમએસ) મળે છે.
Powered By : Sandesh
0 Response to "આઈએમઈઆઈ નંબર વિનાના લાખ્ખો મોબાઈલોની બોલતી બંધ"