૬૦નો દશક હતો. બ્રાઉન યુનિવર્સિટીના ભેજાબાજ ટેડ નેલ્સન અને એન્ડ્રીસ વાન ડેમ એક પ્રોજેકટ પર કામ કરી રહ્યાં હતા. આ બંને વાન્નેવર બુશની માઈક્રો ફિલ્મ ‘મેમેકસ’થી ભારે પ્રભાવિત હતા.
એ ફિલ્મ વળી ૧૯૪૫માં લખાયેલા આર્ટિકલ ‘એઝ વી મે થિંક’ પર આધારિત હતી. એ વાર્તા આખરે વાર્તા જ બનીને રહી ગઈ. પ્રોજેકટ કોઈ કારણસર પૂરો ન થયો. કદાચ ઈશ્વર આ મહાન શોધ માટે કોઈ બીજાને અમર બનાવવા ઈરછતો હતો.
૧૯૮૦નું એ વર્ષ હતું. જીનિવાની યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યુકિલયર રિસર્ચમાં બતૌર વૈજ્ઞાનિક કામ કરી રહેલા ટીમ બર્નર્સ-લીને એક ગતકડું સૂઝ્યું. એણે અગાઉ તૈયાર કરેલી ઈન્કવાયર નામની સિસ્ટમ કોઈપણ પ્રકારની માહિતીનો અખૂટ ભંડાર ભરીને જગત આખાના ખૂણેખૂણાને આવરી લે તો કેવું?
એવા વિચારે એણે કામ આગળ ધપાવ્યું. આ સિસ્ટમ જો કે અત્યારે વપરાતી સિસ્ટમ કરતાં સાવ જુદી હતી,પણ આવનારાં વર્ષોમાં જે ક્રાંતિ થવાની હતી એનાં મૂળિયાં પણ એમાં જ હતા. ટીમ પેલા નેલ્સન જેવો અભાગિયો નહોતો એટલે એણે ધીરજ ધારણ કરીને સંશોધનો પાછળ આખો એક દાયકો કાઢી નાખ્યો.
માર્ચ ૧૯૮૯માં તેણે એક પ્રસ્તાવ તૈયાર કર્યો. એમાં ઈન્કવાયરના હવાલાથી વધુ એડવાન્સ્ડ એવી ઈન્ફર્મેશન સિસ્ટમની બ્લ્યૂપ્રિન્ટ હતી. રોબર્ટ સૈલિયાવ નામના ભાઈબંધની મદદથી તેણે આ જ દરખાસ્ત સુધારીને હાઈપર ટેકસ્ટ પ્રોજેકટ તૈયાર કર્યો, જે પાછળથી વર્લ્ડ વાઈડ વેબ (ડબ્લ્યુ ડબ્લ્યુ ડબ્લ્યુ) તરીકે ઈતિહાસ સર્જી દેવાનો હતો.
ટીમ અને રોબર્ટે માહિતીનો સંગ્રહ થઈ શકે તેવા હાઈપર ટેકસ્ટ ડોકયુમેન્ટ તૈયાર કર્યા, જે જુદાં-જુદાં વેબપેજમાં વહેંચાયેલા હતા. હા, આ બધી માયાજાળને ખંખોળવા માટે વળી વેબ બ્રાઉઝર પણ જરૂરી હતું. ઈલેકટ્રોનિક બુક ટેકનોલોજીના આગમનની છડી પોકારાઈ એ સાથે જ ડબ્લ્યુ ડબ્લ્યુ ડબ્લ્યુએ ગિયર બદલ્યું.
પ્રારંભમાં યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યુકિલયર રિસર્ચે લાઈસન્સિંગ પ્રથા ગોઠવી આ વેબપેજ વાચનારાઓ પાસેથી ચાર્જ વસૂલવો એવું નક્કી કર્યું. એમાં થતું એવું કે એકનું એક પેજ બીજી વખત ખૂલી જાય તો પણ તેનો ચાર્જ જે-તે વ્યકિત પર ચડી જતો. અતિ ખર્ચાળ એવી આ સુવિધા લાંબું ખેંચે એ વાતે ખુદ રોટીમ પણ સાશંક હતો.
ડિસેમ્બર ૨૫, ૧૯૯૦નો એ દિવસ હતો. ‘નેકસ્ટ’ કોમ્પ્યૂટર પર ટીમે કિલક કર્યું એ સાથે જ તે દુનિયાનું પ્રથમ વેબ સર્વર અને પ્રથમ વેબ બ્રાઉઝર બની ગયું. ઈન્ટરનેટ ફંફોસવા જરૂરી હોય એ તમામ ટુલ્સ એણે એમાં તૈયાર કરી આપેલાં.
દુનિયાના એ પ્રથમ વેબ પેજમાં આ પ્રોજેકટ શું છે, તેની વિગતવાર સમજ આપવામાં આવેલી. ઓગસ્ટ ૬, ૧૯૯૧નો દિવસ પણ ઈન્ટરનેટના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ છે. કેમ કે આ દિવસે ટીમે એએલટી.હાઈપર ટેકસ્ટ ન્યૂઝ ગ્રૂપ પર ડબ્લ્યુ ૩ વિષે એક પોસ્ટ લખી, જેણે પબ્લિસિટી માટેનાં દ્વાર પણ ઉઘાડી નાખ્યાં.
ટીમે પોતાના પુસ્તક ‘વિવિંગ ધ વેબ’માં એવો ખુલાસો કરેલો કે હાઈપર ટેકસ્ટ અને ઈન્ટરનેટ ટેકનોલોજી વરચેના ‘લગ્ન’થી જે સંભાવનાઓ પેદા થશે તે અનંત હશે, પણ કોઈએ તેને ગંભીરતાથી ન લીધી, કે ન તો કોઈ એ આહ્વાન ઝીલવા આગળ આવ્યું.
અંતે ટીમે એકલે હાથે ‘ગોરપદું’ કરીને આ ટેકનોલોજીનું જોડાણ કરી આપ્યું. એણે તૈયાર કરેલી ‘યુનિફોર્મ રિસોર્સ આઈડેન્ટિફાયર’ સિસ્ટમ પછી તો આખા જગતે અપનાવવી પડી. એપ્રિલ ૩૦, ૧૯૯૩ના દિવસે યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યુકિલયર રિસર્ચે જાહેર કર્યું કે ડબ્લ્યુ ૩ને હવેથી વિશ્વનો કોઈપણ નાગરિક વિનામૂલ્યે સર્ફ કરી શકશે.
ઈન્ટરનેટની વિકાસયાત્રા કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે, ત્યારે આ સુવિધાની ‘ગંગા’ને આપણા આંગણા સુધી લાવનાર એ ‘ભગીરથ’ને લાખો સલામ!
Indo Seating Said,
Deepak confirm once u c it
Posted on January 2, 2009 at 12:25 AM