ચાવીની શોધથી માર્ગ અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા
દારૂ પીને કાર ડ્રાઈવિંગ કરવું અથવા ચાલુ ડ્રાઈવિંગમાં મોબાઈલ પર વાત કરવી ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે. અકસ્માતના એવા સંખ્યાબંધ કિસ્સા પ્રકાશમાં આવે છે જેમાં અકસ્માતનું મૂળ કારણ દારૂના નશામાં ધૂત ડ્રાઈવર અથવા ચાલુ ડ્રાઈવિંગમાં મોબાઈલ પર વાત કરવાની આદત હોવાનું જાણવા મળે છે. કિશોરોમાં આવી આદત વધુ પ્રમાણમાં જોવા મળે છે.
જોકે હવે ચાલુ ડ્રાઈવિંગમાં મોબાઈલ પર વાત કરવાનું જોખમ ટળી શકે છે કારણ કે તાજેતરમાં સંશોધકોએ કાર માટે એવી ચાવી શોધી છે જે કાર ચાલુ થયા બાદ ડ્રાઈવરને મોબાઈલ પર વાત કરતા કે મેસેજ મોકલતા રોકી શકે છે. ઉતાહ યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કરેલી ‘કી ટુ સેફ ડ્રાઈવિંગ’ નામની આવિષ્કારી ચાવી બ્લૂટૂથ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવી છે.
આ ચાવી બ્લૂટૂથ કે આરએફઆઈડી(રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન)ના માઘ્યમથી ફોન સાથે જોડાયેલી રહે છે. કારની એક જ ચાવી સાથે અલગ અલગ મોબાઈલ પણ જોડી શકાય છે જેથી ઘરમાં જેટલા પણ સભ્યો હોય તેઓ એક ચાવી સાથે જોડાયેલા રહે છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે કાર ચાલુ થતાં જ ચાવી દ્વારા મોબાઈલને ડ્રાઈવિંગ મોડનો મેસેજ મળે છે અને નિષ્ક્રિય થઈ જાય છે, જેથી ફોન પર વાત નથી થતી તેમજ મેસેજ પણ નથી મોકલી શકાતો. જોકે ઈમરજન્સીના સમયમાં મદદ માટે ૯૧૧ અથવા અગાઉથી નક્કી કરાયેલો અન્ય નંબર ડાયલ થઈ શકે છે.
ઈનકમિંગ કોલ કે મેસેજમાં સામેની વ્યકિતને ઓટોમેટિક મેસેજ મળી જાય છે કે હાલ ડ્રાઈવિંગ ચાલુ હોવાથી વાત થઈ શકે તેમ નથી. આ ચાવીની શોધ બાદ માર્ગ અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી સંશોધકોએ આશા વ્યકત કરી હતી.
POWERED BY : DIVYA BHASKAR
0 Response to "ચાલુ કારમાં મોબાઈલ બંધ કરી દેતી ચાવીની શો"