ઘણી વ્યકિત ગુસ્સામાં બીજી વ્યકિતને અપમાનિત કરતી હોય છે અથવા ઘરની ચીજવસ્તુઓ ફેંકતી કે શારીરિક હાનિ પહોંચાડતી જોવા મળે છે. ક્ષમા નામની આધુનિક યુવતી ગુસ્સામાં પોતાને લાફા મારતી. પુરુષોત્તમદાસ નામના આધેડ વ્યકિત ગુસ્સો વ્યકત ન કરી શકવાને કારણે પોતાના શરીર ઉપર સિગારેટના ડામ દેતા. ગુસ્સો મોટી વ્યકિતને જ આવે એવું નથી હોતું, ચાર વર્ષના કહાન શાહને ગુસ્સો આવે ત્યારે ઘરની વસ્તુઓ બારીમાંથી બહાર ફેંકી દેતો. રસોડામાં જઇને બરણીઓ ખોલીને જમીન પર ખાલી કરી દેતો, ગેસ ચાલુ કરીને રૂમમાં ભાગી જતો અને સ્કૂલમાં તો અચૂક મારામારી કરીને ઘરે આવતો. તેના માતાપિતા તેનું આવું વર્તન જોઇને ડઘાઇ જ ગયા હતા. આવા અનેક કિસ્સાઓ છે. વધુ પડતો, વારંવાર આવતો ગુસ્સો વ્યકિતની માનસિકતા ઉપર આડઅસર કરે છે. સામાજિક અને પારિવારિક સંબંધોને બગાડી નાખે છે. ગુસ્સાથી માંસપેશીઓમાં ખેંચાણ આવે છે. બ્લડ પ્રેશર વધી જાય છે. નસો પહોળી થઇ જાય છે. જયારે વ્યકિતને સખત ગુસ્સો આવે ત્યારે શરીરમાં એપિનોટ્રિન અને નારિએપિનોરિન હોર્મોન્સની માત્રા વધી જાય છે. એના કારણે લોહીના નૈસર્ગિક ભ્રમણમાં અંતરાય સર્જાય છે. લોહીની ભ્રમણ ક્રિયા પણ પ્રભાવિત થાય છે.
કોઇ પણ વ્યકિત જન્મથી ગુસ્સાવાળી નથી હોતી, પરંતુ આસપાસનું વાતાવરણ તેના માનસિક સ્તર પર ઊડી અસર કરી જતું હોય છે. તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણમાં જણાવ્યું છે કે ક્રોધી સ્વભાવના લોકોમાં હાર્ટ એટેકની સંભાવના ત્રણ ગણી વધી જાય છે. ડયુક યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ક્રોધી સ્વભાવના માણસમાં મેકોલેસ્ટ્રોલ જજ અને ટ્રાઇગલા સેરાઇડ્ઝનો સ્તર ઊચો થઇ જાય છે.
ગુસ્સાને તરત પ્રગટ કરી દેવો એ સારી વાત છે પણ કેટલાક લોકો ગુસ્સાને દબાવીને રાખે છે. ગુસ્સાને દબાવી દેનારી વ્યકિતના હૃદયના ધબકારાની ગતિ અનિયમિત થઇ જાય છે જેથી બ્લડ પ્રેશર વધે છે. ગુસ્સો એ માનવ સ્વભાવ સાથે જોડાયેલો એક પ્રકારનો ભાવ છે, પરંતુ ગુસ્સાને કેવી રીતે વ્યકત કરવો એ દરેક માણસની પ્રકતિ ઉપર આધાર રાખે છે. જેમ કે ઘણી વ્યકિતઓને ગુસ્સો આવે ત્યારે તે અંતર્મુખી બની જાય છે. તો અમુક વ્યકિત પોતાને કાર્યમાં વ્યસ્ત રાખે તો ઘણી વ્યકિતઓ એકાંત પસંદ કરતા હોય છે.
ગુસ્સાને કાબૂમાં લેવાનું બહુ અઘરું નથી, પરંતુ થોડી મહેનતનું કામ છે. જયારે સખત ગુસ્સો આવે ત્યારે સૌથી પહેલાં એ ગુસ્સાનું કારણ શોધો. પછી ગુસ્સો વ્યકત કરવાને બદલે શાંતિપૂર્વક તમારા વિચારો બીજાને જણાવો. તમને ગુસ્સો આવ્યો છે તે બીજી વ્યકિતને શાંતિથી જણાવો.
ગુસ્સો આવે એ ક્ષણે મનમાં ‘ઓમ્’ બોલો અથવા ઇશ્વરનું સ્મરણ કરવું. ‘હું રિલેકસ થઇ રહી છું.’, ‘હું શાંત છું.’, ‘મારો ગુસ્સો શાંત થઇ રહ્યો છે.’ તેમ મનમાં ને મનમાં શાંત ભાવથી બોલવું.
બીજી વ્યકિત જયારે ગુસ્સો કરતી હોય અથવા ગુસ્સો આવતો હોય ત્યારે તેને પોતાની બાજુમાં બેસાડીને તેની પીઠ પર પ્રેમપૂર્વક હાથ ફેરવો અને ‘રિલેકસ’, ‘રિલેકસ’ ત્રણ-પાંચ વાર કહેવું. નાનું બાળક હોય તો બાથમાં ભીડી લેવું.
થોડા જ દિવસોમાં તમે પોતે અનુભવશો કે ગુસ્સા ઉપર તમે કાબૂ મેળવી રહ્યા છો. ગુસ્સો આવે ત્યારે ધીમે ધીમે શ્વાસ અંદર ખેંચો અને ધીમે ધીમેથી શ્વાસને છોડવો. તે દરમિયાન એ પણ વિચારો કે શ્વાસની સાથોસાથ ગુસ્સો પણ મનમાંથી નીકળી રહ્યો છે. કાર્ય અથવા વિચાર બદલી નાખવાની કોશિશ કરવી. બાકીના સમયમાં હકારાત્મક ભાવ અને વિચાર રાખવા. તેમ છતાં ગુસ્સો ઓછો ન થાય તો ડોકટરની સલાહ લેવી.
0 Response to "ગુસ્સો કાબૂમાં નથી રહેતો?"