એક વિકલાંગ છોકરો તેના પિતા સાથે બગીચામાં ચુપચાપ બેઠો હતો. બંનેના ચહેરા પર દુ:ખની રેખાઓ સ્પષ્ટ જોવા મળતી હતી, કારણ કે તે છોકરો અન્ય લોકોની જેમ રમી કે ભાગી નહોતો શકતો. પોતાના પુત્રને આ પરિસ્થિતિમાં જોઈને અસહાય પિતા પણ ચુપચાપ તેના મોઢા સામે જોઈ રહ્યા હતા. તે જ સમયે ઉમરમાં તેના કરતાં થોડો મોટો છોકરો પસાર થયો, જેને પરિવાર દ્વારા એવું શીખવવામાં આવ્યું હતું કે, દિવસમાં કમ સે કમ કોઈ એક વ્યકિતની મદદ જરૂર કરવી જોઈએ.
દુ:ખી છોકરાને જોઈને તે તેની પાસે ગયો અને કહ્યું કે, ‘તેં કયારેય પક્ષીની જેમ ઊડવાની કલ્પના કરી છે ખરી ?’ ત્યારે નાના છોકરાએ કહ્યું, ‘ના, પરંતુ કયારેક એવું જરૂર વિચારું છું કે, બીજાં બાળકોની જેમ દોડવા-રમવામાં કેટલી મઝા આવતી હશે.’ ત્યારબાદ મોટા છોકરાએ કહ્યું કે, ‘શું આપણે મિત્ર બની શકીએ ?’ તો નાના છોકરાએ ઉત્સાહ સાથે જવાબ આપ્યો કે, ‘શા માટે નહીં.’ ત્યારબાદ તે બંને કલાકો સુધી રમતા અને હસતા રહ્યા. ત્યારબાદ વિકલાંગ છોકરાના પિતા તેમની જગ્યાએથી ઊઠીને એક તરફ ગયા અને થોડીવાર બાદ એક વ્હીલચેર લઈને આવતા દેખાયા. આ જોઈને મોટા છોકરાએ તેમના કાનમાં કંઈક કહ્યું, જે સાંભળીને પિતાએ જણાવ્યું કે, ‘આ તો બહુ સરસ રહેશે.’
ત્યાર પછી તે નાના છોકરાની પાસે ગયો અને કહ્યું કે, ‘તું મારો એકમાત્ર મિત્ર છે, આથી હું એવું ઇરછું છું કે, તું પણ બીજા લોકોની જેમ દોડે, પરંતુ હું તેવું કરવામાં અસમર્થ છું, છતાં હું તારા માટે કંઈક કરવા માગું છું.’ આટલું બોલીને તે તેની તરફ પીઠ રાખીને ઝૂકી ગયો અને તેને પોતાની પીઠ પર બેસી જવા કહ્યું. પોતાની પીઠ પર તે નાના છોકરાને બેસાડયા બાદ તેણે દોડવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેની ઝડપ વધતી ગઈ, આથી નાના છોકરાએ પોતાના બંને હાથ હવામાં ખુલ્લા કરી દીધા અને તેના પિતાને કહ્યું કે, ‘હું ઊડી રહ્યો છું, હું હવામાં ઊડી રહ્યો છું !’ આ દૃશ્ય જોઈને પિતાની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા. ત્યારબાદ તે વિકલાંગ છોકરો દરરોજ બગીચામાં આવવા લાગ્યો અને તેના મિત્રની મદદ વડે હવામાં ઊડવાનો અનુભવ કરવા લાગ્યો.
ફંડા એ છે કે, શકય હોય તો, ઓછામાં ઓછી એક વ્યકિતની રોજ મદદ કરો. કંઈક એવું કરો કે, સામેવાળાને પોતાનું જીવન સાર્થક લાગે.
0 Response to "દરરોજ એક વ્યકિતની મદદ કરવાનો પ્રયત્ન કરો"