પરિવર્તન એ નિસર્ગનો ક્રમ છે, ઇશ નિર્મિત છે તેથી જ તો સૃષ્ટિમાં ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર અને વસંત એમ ઋતુચક્ર અવિરત ફર્યા કરે છે. તે જ રીતે માનવી દેહ જન્મે છે ત્યારથી જ ક્ષણે ક્ષણે બદલતો રહે છે. આપણને ખબર પણ નથી પડતી કે કયારે આપણે મોટા થયા. યુવાન થયા અને ઘરડા પણ થયા. ભગવાન શ્રીકષ્ણે આ જ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું છે, ‘દેહનોડસ્મિત્ યથા દેહે કૌમારં યૌવનં જરા’ કુમારાવાસ્થા, યૌવન અને ઘડપણ- શરીરની આ ત્રણ અવસ્થાઓ છે. પ્રત્યેક અવસ્થાની એક સુવાસ છે. એક આગવું સૌંદર્ય છે. તેમાંયે યૌવન એક એવી અવસ્થા છે કે ફરી ફરી માણવાનું મન થાય.
યૌવન એ તો જીવનની વસંત છે, ખીલે તો. યૌવન એ જીવનનું નત્ય છે, નત્ય કરતાં આવડે તો. યૌવન એ જીવનનું સંગીત છે, વગાડતાં આવડે તો. યૌવન એ શકિતનો સ્ત્રોત છે, મર્યાદામાં વહેતાં આવડે તો. નહીં તો યૌવન એ વાવાઝોડાની વિઘ્વંસ શકિત છે. વાવાઝોડું આવે, શમી જાય પણ જીવનને ઉઘ્વસ્ત કરી નાખે. ઘણા યુવાનો કહે પણ છે કે ‘યુવાનીના દિવસો પાછા આવવાના નથી તો માણી લઈએ. મોજમસ્તી, ખાવું-પીવું, હરવું-ફરવું, એ જ એમના જીવનના કેન્દ્રમાં હોય છે. આ યુવાનો જયારે યૌવનને માણવાની વાત કરે છે ત્યારે એક સહજ વિચાર આવે છે કે ખરેખર, તેમને યૌવન માણતાં આવડે છે કે? યૌવનનો રસાસ્વાદ લેતાં આવડે છે?
ઘરમાં રાજાપુરી કેરી લાવીએ ત્યારે દોઢ-બે વર્ષનું બાળક તે ચૂસવાની જીદ પકડી બેસે. તેની મા તેને સમજાવે કે આ કેરી ખૂબ મોટી છે તને ખાતાં નહીં ફાવે. હું રસ કાઢી તને ખવડાવું, પરંતુ જિદ્દી બાળક માને ખરું? અને એક કેરી લઈ તે ચૂસવા બેઠું. તેના ટચૂકડા બે હાથથી માંડ માંડ તેણે કેરી પકડી ચૂસવા મોઢામાં મૂકી, પરંતુ એટલી મોટી કેરી તેના નાના હોઠમાં પૂરી જાય તો તે વ્યવસ્થિત ચૂસી શકે ને? પરંતુ તેને તો ચૂસવાનો આનંદ માણવો હતો ને? રસનાં ચાર ટીપાં મોઢામાં જતાં હતાં ને ચૌદ ટીપાંના ગાલ ઉપર થઈને રેલા ઊતરતા હતા. મતલબ, રસનો બગાડ થતો હતો.
યુવાપેઢીનું કંઈક આવું જ થતું રહ્યું છે. તેમને પોતાની રીતે સ્વરછંદતાથી યૌવન માણવું છે, પરંતુ તેમની રીતે માણવામાં મોટા ભાગની તેમની શકિતનો હ્રાસ થાય છે, તે તેમના ઘ્યાનમાં આવતું નથી. તેમનું યૌવન વેડફાઈ જઈને વિકત બને છે.
વિકત યૌવન એ તો ભડભડ બળતા કાગળ જેવું છે. તેનો ભડકો હોય મોટો, પણ ન તો તેનામાં ઉષ્મા આપવાનું સામર્થ્ય છે, ન તો તેમાં પ્રકાશ આપવાની ક્ષમતા છે અને આ રીતે માણેલું યૌવન અકાળે ઘડપણમાં સરી જાય છે. તેની સભાનતા પણ માણસ ગુમાવી બેસે છે. ગીતામાં કહ્યા મુજબ યૌવન પછી ઘડપણ આવવાનું જ છે, પરંતુ મોટા ભાગના ઘરડા આ વિકત યૌવનના શિકાર થયા છે.
વડવાઓ કહેતા કે યૌવનમાં ખાશો તો ઘડપણમાં કામ આવશે. ખાસ કરી શિયાળામાં મેથીના લાડુ ખાવાનો આગ્રહ રાખતા કે જેથી કરીને ઘડપણમાં સંધિવા જેવાં દર્દોથી બચી શકાય. જેમ શરીરના સ્વાસ્થ્ય માટે આ વાત જરૂરી છે તેમ મનના સ્વાસ્થ્ય માટે પણ આ જ વાત લાગુ પડે છે. યુવાનીમાં મનની કેળવણી ઉપર ઘ્યાન રાખ્યું હશે, મનને સદ્વિચારોનો સાત્ત્વિક ખોરાક આપ્યો હશે તો ઘડપણમાં શારીરિક ક્ષમતા ઘટવા છતાં પણ મનની વૃત્તિ, જોમ અને જોશ ટકી રહેશે, પરંતુ તેવી કેળવણીના અભાવે, યૌવનમાં કેવળ ભોગાસકત બનેલું મન, ઘડપણમાં હીન, દીન અને લાચાર બને છે.
યૌવન જવાનું છે તે તો નિશ્ચિત જ છે। તો તેને સમજણપૂર્વક વિવેકથી વાપરીએ, તેને કેવળીએ તો ઉમર વધવાની સાથે માણસ વૃદ્ધ બનશે, ઘરડો નહીં। ઘરડો એટલે ઘસાઈ ગયેલો, વૃદ્ધ એટલે વધેલો-જ્ઞાનમાં, ભાવમાં, અનુભવમાં. માણસે નક્કી કરવાનું છે કે તેને ઘરડા બનવું છે કે વૃદ્ધ? વૃદ્ધને બધા આદર આપે અને ઘરડાની ઉપેક્ષા કરે. ખલીલ જિબ્રાને યૌવનને જીવનની પાંખ કહી છે અને અવસ્થા-વૃદ્ધાવસ્થાને આંખ કહી છે. યૌવન એ ઉલ્લાસ અને ઉત્સાહ આપે છે અને વૃદ્ધાવસ્થા વિવેક અને અનુભવ આપે છે, પરંતુ વિવેકહીન વાપરેલું યૌવન કદી વૃદ્ધાવસ્થા પામતું નથી. તે ઘરડું જ હોય છે તેથી તેની પાસે દૃષ્ટિ પણ નથી, અને વિવેક તથા પ્રેરક એવો અનુભવ પણ નથી. ત્યારે કાળનો તકાજો છે કે યૌવન અને વૃસ્થાવસ્થા-યુવાન અને વડીલ પેઢી એકબીજાની પૂરક બને અને શ્રીમદ્ ભાગવદ્ગીતામાં બંને પેઢી માટેનું માર્ગદર્શન છે.
Powered by : Divya Bhaskar
0 Response to "મનને સદ્વિચારોનો સાત્ત્વિક ખોરાક આપો"