Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune by mail
અભ્યાસ માકર્સ માટે નથી, અભ્યાસ સ્પર્ધા માટે પણ નથી, અભ્યાસ માહિતી માટે નથી, અભ્યાસ વ્યકિતને બદલવા માટે નથી, અભ્યાસ એ નિયંત્રણો લાદવા માટે નથી. સારી શાળા કે સારો અભ્યાસ કયારેય વિધાર્થીને મા-બાપની અપેક્ષાઓ પૂર્ણ કરી શકે તેવો બનાવી શકતો નથી, અભ્યાસનું માપદંડ એ બોર્ડની પરીક્ષાના ક્રમાંકોમાં છૂપાયેલું નથી.

અભ્યાસ એ છે જે વ્યકિતને જીવતા શીખવાડે, અભ્યાસ એ છે જે વ્યકિતને વિપરિત પરિસ્થિતિમાં ટકી રહેતા શીખવી શકે, યોગ્ય અભ્યાસ એ છે જે વ્યકિતના રસ-કૌશલ્ય અને રૂચિને યોગ્ય દિશામાં ખીલવી શકે, યોગ્ય અભ્યાસ વ્યકિતને હકારાત્મક બનાવી શકે, બીજામાં સારું શું છે તે શોધી શકે, સમસ્યાઓના સમાધાનને શોધી શકે, અને સફળ જીવન જીવવાનું પાથેય બની શકે. સારી શાળા અને સારો અભ્યાસ વ્યકિતને સ્પર્ધાનું મશીન નહીં રાષ્ટ્રનો સારો નાગરિક અને પરિવારનો યોગ્ય પુત્ર કે પુત્રી પ્રસ્થાપિત કરી શકે.

આપણે સૌ આજે અભ્યાસને સ્પર્ધા અને ટકાનું સાઘ્ય સમજી બેઠા છીએ પરિણામે બાલમંદિરમાં ભણતાં બાળકથી લઇ માસ્ર્ટસ કરતાં યુવાનો અભ્યાસ કરતાં મા-બાપની અપેક્ષાઓથી વહેલાં થાકી જાય છે.
બાળકનો અભ્યાસ અત્યારે પરિવારની પ્રાથમિકતા છે. અભ્યાસ બાળકના ભવિષ્યની પ્રાથમિકતા છે અને અભ્યાસ જ અત્યારે આધુનિક વિશ્વમાં ટકવા માટે પાથેય છે પરંતુ શું આપણે આપણા સંતાનોને તે માટે યોગ્ય માહોલ પુરો પાડીએ છીએ ખરા? સૌ પ્રથમ તો મા-બાપ બાળકનો શરતીય સ્વીકાર કરે છે, ‘તું આમ કરે તો મને ગમે અને તું આવું પરિણામ લાવે તો હું તને આ વસ્તુ અપાવી દઉ.’

મા-બાપ બાળકને પોતાની કલ્પનાના બીબામાં ઢાળવા સક્રિય બની જાય છે. પડોશના કે કોઇ સ્વજનના બાળકને આદર્શ માને છે અને પોતાના બાળકને તેના જેવો બની જવા સમજાવે છે. માતા-પિતા પોતાનું બાળક પરીક્ષામાં ઓછાં ગુણ લાવે તો હતાશ થઇ જાય છે અને પોતાનું સંતાન જિંદગીમાં કંઇ જ નહીં કરી શકે તેવા સંતાપમાં દુખી થઇ જાય છે.

તેઓ ભૂલી જાય છે કે માત્ર પરીક્ષાનાં માકર્સ જીવનમાં સફળતા અપાવી શકતા નથી. તેઓ એ પણ ભૂલી જાય છે કે, પરીક્ષાની સફળતા એ જ જીવનની સફળતા નથી. પરિણામે પારિવારિક માહોલ વિષાદપૂર્ણ બની જાય છે.

પરીક્ષાનાં માકર્સ થોડીક સારી યાદશકિતનું પરિણામ છે, તેજસ્વિતાનું નહીં. જીવનમાં ગોખેલા જવાબો કામ આવતા નથી. જીવનના દરેક પડાવ પર નવા પ્રશ્નો હોય છે અને તેના નવા જવાબની જરૂર પડે છે પરિણામે વર્ગખંડમાં સામાન્ય લાગતા બાળકો વાસ્તવિક જીવનમાં ઘણી વાર ખૂબ સફળ બને છે અને વર્ગખંડના તારલાઓ વાસ્તવિક જીવનમાં ઘણી વાર પાછળ રહી જાય છે.

સારા માકર્સ પણ જરૂરી છે. બાળક સારા માકર્સ લાવી શકે તો પુરસ્કારવા જેવી બાબત છે, પણ આપનું બાળક પ્રથમ ત્રણમાં નથી તો કયાંય નથી તે હતાશાને ખંખેરી નાખવાની જરૂર છે.

સંતાનો તમારી અપેક્ષા પૂર્ણ કરનારા મશીન નથી. સંતાનો તમારી સફળતાની વ્યાખ્યામાં ફિટ થઇ શકે તેવા ફલેકિસબલ રમકડાં નથી. સંતાનો તમારી આજ્ઞાની એરણ પર પાર ઉતરનારા સૈનિક નથી. તે છે ઇશ્વરનું અદ્ભુત સર્જન એટલે આપણી બાળ ઉછેરની આખી પ્રક્રિયાને જરા જુદા દ્દષ્ટિકોણથી સમજવાની જરૂર છે. તેનામાં કોઇ કલાનું નિરૂપણ કરવાને બદલે તેનામાં ઉત્તમ શું છે તે શોધી કાઢો. બીજાની જોડે સરખાવવાને બદલે તે અદ્વિતિય કેવી રીતે છે તે સમજવા પ્રયાસ કરો. તેને સાચું જ બોલવાની સલાહ આપવાને બદલે જયારે પણ સાચું બોલે ત્યારે બિરદાવતા શીખો.

તેને પૈસા કેમ વાપરવાની સલાહ આપવાને બદલે તમારી કમાણી પસીનાની છે તેનો અહેસાસ થવા દો. બીજાને માન કેમ આપવું તેમ શીખવવાને બદલે તેના સ્વમાનનું રક્ષણ કરતા શીખો. તે નબળો અને અશકિતમાન છે તેમ કહેવાને બદલે તેની પ્રશંસા કરતા શીખો. ઘરના શોકેસમાં ક્રોકરીના બદલે તેની ટ્રોફી અને રંગીન ચિત્રોની જગ્યાએ તેના પ્રમાણપત્રો ભરાવતા શીખો.

સારો સ્ટડી રૂમ ન બનાવો તો વાંધો નહીં પરંતુ ઘરમાં તેને રસ પડે તેવા પુસ્તકો સતત વસાવતા જાઓ. તે જેવો છે તેવો જ તમને સ્વીકાર્ય છે અને બે સંતાનો હોય તો તેમની સરખામણી કરવાનું બિલકુલ ટાળો. જયારે નવરાશનો સમય મળે ત્યારે તેનો ઉધડો લેવાને બદલે તેને લઇને બહાર જાઓ. જયારે ફરવા જાઓ ત્યારે અભ્યાસ અને તેના દોષો પર ટિપ્પણી કરવાને બદલે સ્થળને માણતા શીખવો. ‘તારાથી આ નહીં બની શકે’ અને ‘તું કરી શકે તેમ નથી’ તે ભાષાને બદલી અને ‘તું કરી શકીશ’ તેમ કહી નિષ્ફળતાને પચાવતા અને ભૂલોને સુધારતા શીખવો. દરેક બાબતમાં મદદ કરવાને બદલે તેને જાતે કાર્ય કરવા દો. થોડી તકલીફ પડવા દો. કારણ કે સોનાને પણ શુદ્ધ થવા તપવું જ પડે છે.

આપણે આપણા સંતાનોને સારી શાળામાં પ્રવેશ અપાવી, સારી સુવિધાઓ આપી સારું કોચિંગની વ્યવસ્થા કરી, તે માગે તે વસ્તુ હાજર કરી આપણે સારા મા-બાપ છીએ તેવો સંતોષ લઇએ છીએ, અથવા આપણી ફરજ પૂરી થઇ. ‘હવે તે જાણે અને તેનું નસીબ જાણે’ તેવી માન્યતા કેળવી લઇએ છીએ. જયારે બાળક અભ્યાસના કોઇ પણ ક્ષેત્રે નિષ્ફળ જાય ત્યારે તેનો હાથ પકડનાર કોઇ હોતું નથી.

જયારે તે સ્પર્ધામાં પાછળ પડે ત્યારે સલાહ આપનાર અને ટિપ્પણી કરનાર સૌ તૈયાર હોય છે પરંતુ નિષ્ફળતાને સફળતામાં કેમ પલટાવવી તેવી હૂંફ આપનાર કોઇ હોતું નથી. ૫૦ ટકા માકર્સ લાવતા બાળકનાં માતા-પિતા આ વાત સમજી લે તો તેમનું સંતાન ક્રમશ: ૮૦ ટકાએ પહોંચી જાય છે અને જો ન સમજે તો ૮૦ ટકા લાવતું બાળક પણ ૫૦ ટકાએ પહોંચી જાય છે.

પરિવર્તનનો પવન ફૂંકાયો છે તો આવો આપણે આપણા બાળક સાથે કદમ મિલાવીએ, પરિપકવ માતા-પિતા બનીએ, તેની મુશ્કેલીઓને સમજીએ, તેનામાં છૂપાયેલા જીનિયસને શોધી કાઢીએ.

You can leave a response, or trackback from your own site.

0 Response to "અપેક્ષાની એરણ પર માતા-પિતાનો વિષાદ"

Post a Comment

featured-video