એકવાર બાદશાહ અને બીરબલ જંગલમાં શિકાર કરવા ગયા. બપોર સુધી રખડ્યાં પણ કોઈ શિકાર ન મળ્યો અને ભૂખ એવી લાગી કે વાત ન પૂછો. ભૂખના કારણે બેહાલ થઈ ગયા. ત્યાં જ સામેથી એક નનામી આવતી દેખાઈ એટલે બાદશાહ નિરાશ થઈ ગયા- ‘આ ગામમાં કોઈ મરી ગયું લાગે છે. હવે અહીં ક્યાંથી ખાવા મળશે? હા...તારી બુદ્ધિ ચાલે તો કાંઈક ઉપાય કર, કકડીને ભૂખ લાગી છે.’
બીરબલે તો તરત બન્ને હાથ ઉંચા કરીને ગામ લોકોને ઉભા રાખ્યા પછી કહ્યું - ‘જો કોઈ અમને બન્નેને પેટ ભરીને ખવડાવે, તો હું મારી વિદ્યાથી આ મરેલાં માણસને જીવતો કરી દઉં.’
તરત જ મરનારનાં સગા-વહાલા દોડીને ખાવાનું લઈ આવ્યાં. બાદશાહે અને બીરબલે પેટ ભરીને ખાધું પછી બીરબલ બોલ્યો - ‘હવે હું મરનારને જીવતો કરું છું. એનો ધંધો શું હતો એ જણાવો.’
‘એ મુખી હતો’ કોઈક બોલ્યું.
બીરબલ ગુસ્સાથી બોલ્યા - ‘પહેલાં કેમ ન જણાવ્યું. મુખી મરી ગયા પછી જીવતા જ ન થાય. નાહક મારો સમય બગાડ્યો...’ બાદશાહ તો હસી જ પડ્યા.
0 Response to "બુદ્ધિનું બળ"