એકવાર મલ્લિપુરમના લોકો મંદિરનો ઉત્સવ ઉજવવા માંગતા હતા. મંદિર પર ધજા ચડાવવામાં આવે નહીં ત્યાં સુધી ઉત્સવનો આરંભ થઈ શકે નહીં. મંદિરની ધજા તો હતી પણ ધજાનો સ્તંભ નહોતો.
ગ્રામજનો જંગલમાં ગયા અને મોટા ઊંચા વૃક્ષમાંથી વીસ ફૂટ લાંબો સ્તંભ બનાવ્યો. સ્તંભ વજનદાર હોવાથી ગ્રામજનો તેને ઊંચકીને લઈ જઈ શકે તેમ ન હતા. તેથી સ્તંભને મંદિરે લઈ આવવા માટે તેમણે મહાગીરીની મદદ લીધી.
સ્તંભને જમીનમાં ઊભો કરવા માટે ગ્રામવાસીઓને હાથીની મદદની જરૃર હતી. મંદિરની સામે તેમણે ખાડો પહેલેથી જ ખોદી રાખેલો.
હાથી ખાડા સુધી તો સ્તંભ લઈ આવ્યો, પણ તે અચાનક ઊભો રહી ગયો અને પછી પાછો ફરી ગયો. સ્તંભને ખાડામાં ઊભો કરવા માટે મહાવતે હાથી પર ઘણું દબાણ કર્યું પણ હાથી ચસક્યો જ નહીં. મહાવતે વારંવાર બૂમો પાડી પણ હાથીએ દાદ ન આપી.
ગ્રામવાસીઓ રોષે ભરાયા અને મહાવતને ધમકાવ્યો. મહાગીરીને બૂમ બરાડા ગમ્યા નહીં. તેણે સ્તંભને ફેંકી દીધો અને મહાવતને ફંગોળી દીધો. લોકો રઘવાયા થઈને આમ તેમ નાસવા લાગ્યા.
મહાગીરી હવે એકલો હતો. તે ખાડા પાસે ગયો અને પોતાના આગળના બે પગ વાળી નીચે નમ્યો. ગ્રામવાસીઓ તેને જોવા ઊભા રહી ગયા. મહાગીરીએ તેની લાંબી સૂંઢ ખાડામાં નાખી અને તેમાંથી બિલાડીનાં બચ્ચાંને બહાર ઊંચકી લાવ્યો! તે ખાડામાં છુપાઈ રહ્યું હતું. સૌ સ્તબ્ધ થઈ ગયા !
હાથી મહાવતના હુકમને તાબે કેમ ન થયો તે હવે ગ્રામવાસીઓને સમજાયું. હાથી બિલાડીનાં બચ્ચાંને બચાવવા માંગતો હતો.
હાથીએ હવે સ્તંભને ખાડામાં ઉતાર્યો અને તેને સૂંઢ વડે સીધો પકડી રાખ્યો પછી ખાડામાં માટી પૂરી દેવામાં આવી.
સૌએ મહાગીરીને મીઠાઈ અને કેળાં આપ્યાં. તે દિવસથી હાથી મલ્લિપુરમના લોકોનો અને બાળકોનો પ્રિય હાથી બની રહ્યો.
0 Response to "દયાળુ મહાગીરી"